નૂપુરક (અંગ્રેજી: Annelida) એ પોચા અને ખંડવાન શરીરવાળા અપૃષ્ઠવંશી પ્રાણીઓનો સમુદાય છે. તેઓ ભીની પોચી જમીન, સમુદ્ર કે મીઠા પાણીમાં રહે છે. પ્રાચીન આદિમુખ (Protostome) પ્રભવમાંથી નૂપુરકોનો ઉદભવ થયો હોવાનું માનવામાં આવે છે. અળસિયું અને રેતીકીડો આના ઉદાહરણો છે.[૧]
નૂપુરકો પોચા શરીરવાળા હોવાથી તેમનો પૂર્વઈતિહાસ અશ્મિરૂપે મળતો નથી. ઉપલબ્ધ માહિતિ ઉપરથી એવું માનવામાં આવે છે કે, નૂપુરક પ્રાણીઓ પૂર્વપ્રાચીન જીવકલ્પ (early paleozoic era) દરમિયાન સંસ્થાપિત થયા હોવા જોઈએ.[૧]
નૂપુરકો દ્વિપાર્શ્વિય સમરચના ધરાવતા ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે. આ સમુદાયમાં સૌપ્રથમ શરિરગુહા જોવા મળે છે. તેમને પ્રચલન માટે કાઈટીનયુક્ત વજ્રકેશ, સ્નાયુયુક્ત શરીરદીવાલ અને અભિચરણો હોય છે. તેમની શરીરદીવાલ મુખ્યત્વે અધિસ્તર અને વર્તુળી તથા આયામ સ્નાયુસ્તરની બનેલી હોય છે. અધિસ્તર તેની બહારની તરફ ક્યુટીકલનો સ્ત્રાવ કરે છે. દેહકોષ્ઠ, કોષ્ઠજળ નામના પ્રવાહીથી ભરેલો હોય છે જેમાં અમીબા આકારના વિવિધ કોષો જોવા મળે છે. કેટલાક પ્રાણીઓમા આ ગુહા રુધિરથી ભરેલી હોવાથી તેને રુધિરગુહા કહે છે. અન્નમાર્ગ સુવિકસિત હોય છે અને શરીરના અગ્ર છેડેથી પાર્શ્વ છેડા સુધી લંબાયેલો છે હોય છે. અગ્ર છેડે મુખ અને પાર્શ્વ છેડે મળદ્વાર આવેલુ હોય છે. રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનુ હોય છે, પૃષ્ઠરુધિરવાહિનીમાં રુધિર અગ્ર બાજુએ અને વક્ષ રુધિરવાહિનીમાં રુધિર પાર્શ્વ બાજુએ વહે છે. કેટલાક પ્રણીઓમાં રુધિરમાંના રુધિરરસમાં શ્વસનરંજકો આવેલા હોય છે. ઈંડાનુ ખંડન કુંતલાકાર અને નિશ્ચિત હોય છે અને સામાન્ય રીતે ટ્રૉકોફોર ડિંભ જોવા મળે છે.[૧]
નૂપુરક (અંગ્રેજી: Annelida) એ પોચા અને ખંડવાન શરીરવાળા અપૃષ્ઠવંશી પ્રાણીઓનો સમુદાય છે. તેઓ ભીની પોચી જમીન, સમુદ્ર કે મીઠા પાણીમાં રહે છે. પ્રાચીન આદિમુખ (Protostome) પ્રભવમાંથી નૂપુરકોનો ઉદભવ થયો હોવાનું માનવામાં આવે છે. અળસિયું અને રેતીકીડો આના ઉદાહરણો છે.