માકડું (હિંદી: मर्कट, અંગ્રેજી: RHESUS MACAQUE, સંસ્કૃત: मर्कटः) એક પ્રકારનું વાંદરું છે. આ લાલ મોઢાવાળો વાંદરો અધિકતર મર્કટ નામે પણ પ્રસિદ્ધ છે. માનવવસ્તીથી દૂર રહેનાર આ વાંદરો કોઈક વાર માનવવસ્તીની આસપાસ પણ જોવા મળતો હોય છે.[૧] આ માકડાનાં રૂધિરમાં 'રિસસ' નામનું એક રોગપ્રતિકારક દ્રવ્ય (એન્ટિજન) વહેતું હોય છે. આ દ્રવ્ય પરથી તેનુ 'રિસસ મેકક' એવું અંગ્રેજી નામ પડ્યું છે. પ્રાકૃતિક અવસ્થામાં એનું ૪-૧૫ વર્ષનું આયુષ્ય હોય છે. જ્યારે બંધનાવસ્થામાં અનુમાનિત ૨૫ વર્ષ તે જીવી શકે છે. આ માકડા એ વિશ્વભરનાં તમામ 'પ્રાઇમેટ્સ્'માં સૌપ્રથમ રોકેટ દ્વારા અવકાશયાત્રા કરી છે.[૨]
માકડાની ઊંચાઈ સામાન્યપણે ૫૦ થી ૬૦ સેન્ટિમીટરની હોય છે. નર માદા કરતાં બમણાં મોટા હોય છે, એ આ માકડા પ્રજાતિની વિશિષ્ટતા છે. ૨૦થી ૨૫ વર્ષનું આયુષ્ય ભોગવતાં આ માકંડા વર્ષમાં બે વખત બચ્ચાંને જન્મ આપે છે. તેઓનાં પ્રજનનનો સમયગાળો સામાન્યપણે અનિશ્ચિત હોય છે, પરંતુ એ સમયગાળો માર્ચ અને જૂનની વચ્ચે ગણવામાં આવે છે. [૩] [૪] ઉત્તર ભારતમાં મળતાં હનુમાન કદનાં વાંદરા કરતાં આ વાંદરાનું કદ નાનું હોય છે અને રંગ ભૂખરો લાલ હોય છે. તેનાં મુખનો રંગ લાલ હોય છે, જ્યારે પૂંછડીનો રંગ નારંગી હોય છે. પાછળ તરફ વળેલા કપાળ પરના વાળ વચ્ચે પાંથી જોવા મળે છે. આ માકડાની પૂંઠની નીચેનો ભાગ પણ લાલ કે નારંગી રંગનો હોય છે. તેની પૂંછડી ટૂંકી હોય છે, જે મોટા ભાગે ઊભી જ રાખતા હોય છે. તેઓની ચામડી લાલ પડતાં કથ્થાઈ રંગની હોય છે. તેઓ પાણીમાં ખુબ જ ઉત્તમપણે તરી શકે છે.
આ માકડાઓ મિશ્રાહારી હોય છે. તેઓ ફળ-ફૂલ કે પાંદડાં સિવાય જીવડાં, ઈયળો અને કરોળિયાનો પણ આહાર કરે છે. તેઓ અત્યંત ઝડપથી ભોજન કરી શકે છે. આવશ્યકતા જણાતાં તેઓ તેમનાં મુખમાં કોથળી જેવી એક વિશેષ જગ્યામાં પોતાના આહારને સંગ્રહી પણ શકે છે.
માકડાઓ મુખ્યતયા ડુંગરાળ વિસ્તારોમાં વધું જોવા મળે છે. ડાંગ, શૂલપાણેશ્વર, વાંસાદ, રતનમહાલ ઇત્યાદિ દક્ષિણ ગુજરાતના ડુંગરાળ વિસ્તારોમાં વધુ જોવા મળે છે. તેઓ અમુકવાર મનુષ્ય વિસ્તારમાં જોવા મળે છે. સમૂહમાં રહેતા આ માકડા પ્રગાઢ વન્યપ્રદેશોમાં નિવાસ કરતાં નથી. વનની સમીપ સ્થિત ખુલ્લા વિસ્તારો અને માનવ વસ્તીની નજીક રહેવું તેમને ગમે છે. મદારીઓ પહેલાં આ માકડાઓનાં ખેલ નગરોમાં કરતાં. પરંતુ તે ખેલ પર સરકારી પ્રતિબંધ હોવાથી હવે એ માકડા સરળતાથી નગરોમાં દેખાતાં નથી. કેટલાક ધાર્મિક સ્થળોની આર-પાસ શ્રુદ્ધાળુઓ દ્વારા અપાતા ખાદ્યપદાર્થોને કારણે એવાં વિસ્તારોમાં માકડાની વસ્તીમાં વધારો જોવા મળે છે. અતઃ માનવથી તેમનો ભય દૂર પણ થયો છે. અતઃ ક્યારેક તો હિંમતપૂર્વક હાથમાંથી ચીજ-વસ્તુઓ ઝૂંટવી પણ જતાં તેઓ ભય ખાતાં નથી.
આ વાંદરૂં ટોળામાં રહે છે,જેમાં સૌથી મોટો નર વાંદરો સરદાર તરીકે રહે છે. નર માકડાઓની વચ્ચે નેતૃત્વ માટે વારંવાર લડાઈઓ થતી રહે છે. સંઘર્ષમાં વિજયી નર નેતૃત્વા કરતો હોય છે. તે નેતૃત્વ કરનાર નરને અંગ્રજી માં 'આલ્ફા' કહેવાય છે.[૫] સમૂહમાં અન્ય નરનાં બચ્ચા હોય તો તેમને નવો પ્રભુત્વ ધરાવતો નર મારી પણ નાંખે છે. ટોળકીની બધી માદાઓ ઉપર આ નર સ્વાભાવિક પ્રભુત્વ ધરાવતો હોય છે. જંગલ કાંઠે તથા માનવવસ્તી નજીક ખોરાકની શોધમાં ફરે છે. ક્યારેક હનુમાન વાંદરા સાથે ટોળામાં પણ જોવા મળે છે. આ પ્રાણી તરવામાં પાવરધું હોય છે. પરસ્પર સંદેશાવ્યવહાર માટે ભિન્ન ભિન્ન ધ્વનિઓ નીકાળી એક બીજા સાથે સંપર્ક કરે છે. મોઢા, હાથપગ તથા શરીરનાં હલનચલન દ્વારા પણ તેઓ સંદેશા મોકલતા હોય છે.[૬]
જૈવિક સંશોધનોમાં માકડાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. એક સંશોધન અનુસાર માનવ અને માકડાનાં નવ્વાણું ટકા જીન્સ મળતાં આવે છે. લોહીની ઓળખમાં આર. એચ. ફેક્ટર હોય છે, આ તારણ માકડા પર કરેલા સંશોધન પરથી સિદ્ધ થયું હતું. આજ આર. એચ. ફેક્ટર દ્વારા લોહીનાં ગ્રુપની જાણ થાય છે.
માકડું (હિંદી: मर्कट, અંગ્રેજી: RHESUS MACAQUE, સંસ્કૃત: मर्कटः) એક પ્રકારનું વાંદરું છે. આ લાલ મોઢાવાળો વાંદરો અધિકતર મર્કટ નામે પણ પ્રસિદ્ધ છે. માનવવસ્તીથી દૂર રહેનાર આ વાંદરો કોઈક વાર માનવવસ્તીની આસપાસ પણ જોવા મળતો હોય છે. આ માકડાનાં રૂધિરમાં 'રિસસ' નામનું એક રોગપ્રતિકારક દ્રવ્ય (એન્ટિજન) વહેતું હોય છે. આ દ્રવ્ય પરથી તેનુ 'રિસસ મેકક' એવું અંગ્રેજી નામ પડ્યું છે. પ્રાકૃતિક અવસ્થામાં એનું ૪-૧૫ વર્ષનું આયુષ્ય હોય છે. જ્યારે બંધનાવસ્થામાં અનુમાનિત ૨૫ વર્ષ તે જીવી શકે છે. આ માકડા એ વિશ્વભરનાં તમામ 'પ્રાઇમેટ્સ્'માં સૌપ્રથમ રોકેટ દ્વારા અવકાશયાત્રા કરી છે.